સુરત : શિક્ષણ ક્ષેત્રે બદલાતા સમયની જરૂરિયાતોને અનુરૂપ શિક્ષકોની ભૂમિકા વધુ અસરકારક બને અને શિક્ષણમાં ગુણવત્તાસભર પરિવર્તન આવે તે હેતુથી સુરતમાં બે દિવસીય ક્ષેત્રીય અધ્યાપક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે.

વિદ્યાભારતી ઉચ્ચ શિક્ષણ સંસ્થા, ગુજરાત પ્રાંત અને શ્રી મહાવીર વિદ્યામંદિર ટ્રસ્ટ, સુરતના સંયુક્ત ઉપક્રમે તા. 22 અને 23 ઓગસ્ટ દરમિયાન યોજાનારી આ કાર્યશાળામાં શિક્ષણ સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓ પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.‘પ્રેરિત શિક્ષક, સશક્ત રાષ્ટ્ર’ની વિચારધારાને કેન્દ્રમાં રાખીને યોજાનારી આ કાર્યશાળામાં શિક્ષણની ગુણવત્તા સુધારવા ઉપરાંત અધ્યાપકોના જ્ઞાન, કૌશલ્ય અને વ્યવસાયિક વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવશે.
ભારતીય શિક્ષણ પરંપરા અને આધુનિક શૈક્ષણિક અભિગમ વચ્ચે સુમેળ સાધી શિક્ષણને વધુ અસરકારક બનાવવાના વિવિધ પાસાં અંગે વિચારવિમર્શ થશે.
કાર્યશાળાના ઉદ્ઘાટન સત્રમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડા, પી.પી. સવાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. ડૉ. પરાગ સાંઘાણી, સાર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. ડૉ. કિરણ પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. વિદ્યાભારતી ઉચ્ચ શિક્ષણ સંસ્થાના સંગઠન મંત્રી શ્રી એસ. એન. રઘુનંદનજીની વિશેષ ઉપસ્થિતિ પણ રહેશે. કાર્યશાળામાં ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રની વિવિધ કોલેજોના આશરે 100 અધ્યાપકો ભાગ લેશે. શિક્ષણ ક્ષેત્રના સમકાલીન પડકારો, નવી શૈક્ષણિક પદ્ધતિઓ, ટેકનોલોજીનો ઉપયોગ તથા બદલાતા સમયમાં શિક્ષકની ભૂમિકા જેવા મહત્વના વિષયો પર નિષ્ણાત વક્તાઓ સાથે સંવાદ યોજાશે.
આ કાર્યક્રમ માત્ર તાલીમ પૂરતો મર્યાદિત ન રહે, પરંતુ ભારતીય શિક્ષણ પરંપરા, મૂલ્યઆધારિત શિક્ષણ અને આધુનિક ટેકનોલોજી વચ્ચે યોગ્ય સમન્વય સાધી શિક્ષકોને નવી દિશા અને દૃષ્ટિ આપતું મંચ બને તેવો પ્રયાસ આયોજકો દ્વારા કરવામાં આવ્યો છે. કાર્યશાળાના આયોજનમાં વિદ્યાભારતી ઉચ્ચ શિક્ષણ સંસ્થા, ગુજરાત પ્રાંતના અધ્યક્ષ ડૉ. રાજેશ વ્યાસ, મંત્રી ડૉ. ભાવેશ રાવલ, શ્રી મહાવીર વિદ્યામંદિર ટ્રસ્ટ, પાંડેસરા, સુરતના પ્રમુખ શ્રી સુધાકરજી માસ્ટર તથા મંત્રી શ્રી નીરજ પટેલની ભૂમિકા રહી છે. સમગ્ર આયોજનનું સંકલન વિદ્યાભારતી ઉચ્ચ શિક્ષણ સંસ્થા, ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ ડૉ. રિદ્ધિ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું છે.
આ બે દિવસ દરમિયાન શિક્ષકો અને અધ્યાપકો વચ્ચે શૈક્ષણિક અનુભવોનું આદાન-પ્રદાન, નવીન વિચારોનું મંથન અને રાષ્ટ્રીય દૃષ્ટિકોણ સાથે શિક્ષણને વધુ સશક્ત બનાવવાના પ્રયાસો થશે. શિક્ષણ ક્ષેત્રે નવી દિશા અને સંભાવનાઓ ઊભી કરવા માટે આ કાર્યશાળા મહત્વપૂર્ણ મંચ બની રહેશે.
જર્નલિસ્ટ યોગેશ દેવરે


