સુરત શહેરમાં વીજ વાયર ચોરીની વધતી ઘટનાઓ પર અંકુશ મેળવવા સચિન પોલીસે મોટી કામગીરી હાથ ધરી છે. પોલીસે છેલ્લા પાંચ મહિનાથી ફરાર રહેલા અને કુલ 72 ગુનાઓમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે.
તેની પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.પોલીસ મુજબ, આરોપી પાસેથી 11 KV MVCC કંડકટર 18,285 મીટર નવો કોટેડ વાયર (કિંમત રૂ. 23,69,888), 1430 કિલો જુનો વાયર (કિંમત રૂ. 2,43,900) તેમજ પાના પકડા અને અન્ય ટૂલ્સ (કિંમત રૂ. 40,000) મળી કુલ રૂ. 26,53,788નો મુદ્દામાલ મળ્યો છે.
સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.એન. વાઘેલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન.ડી. ડામોરના માર્ગદર્શન હેઠળ પોલીસે ખાસ ટીમ બનાવી હતી. આ ટીમમાં અ.હે.કો. ઇન્રજીતપસિંહ અમરસંગ વનાર, અ.હેડ.કો. ભરતભાઈ બચુભાઈ ડાંગર, અ.પો.કો. દશરથભાઈ માવજીભાઈ રજ્યા તેમજ સરવેલન્સ સ્ટાફનો સક્રિય ફાળો રહ્યો હતો.
ગુપ્ત માહિતીના આધારે પોલીસે મુલસાલાલ ઉર્ફે પુંનુ દુલિયાભાઈ બલૈયા (ઉંમર 45 વર્ષ, ધંધો–મજૂરી, મૂળ ગામ વેસ્તા, તાલુકો આહીરી, થાણા બલોદા, જીલ્લો બીજાપુર – છત્તીસગઢ, હાલ નિવાસ નિલકંઠેશ્વર, નવાગામ) ને ઝડપી પાડ્યો હતો.આરોપી છેલ્લા ઘણા સમયથી વીજ વાયર ચોરીના ગુનાઓ કરીને ફરતો હતો અને પોલીસને વારંવાર ચકમો આપતો હતો. પરંતુ સચિન પોલીસે તેની ધરપકડ કરીને મોટો કડાકો કર્યો છે.
આ કાર્યવાહીથી વીજ વાયર ચોરીના સતત થતા ગુનાઓમાં અંકુશ આવશે અને જનતામાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.
જર્નલિસ્ટ યોગેશ દેવરે


